- અમદાવાદમાં સ્થિતિ વધુ ગંભીર બની
અમદાવાદ, બુધવાર
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ દિનપ્રતિદીન વકરી રહ્યો છે. રાજ્ય સરકારના અથાગ
પ્રયત્નો છતાંયે સ્વાઇન ફ્લૂ કાબૂમાં આવી શક્યો નથી.ખાસ કરીને
ફેેેબુ્રઆરીમાં સ્વાઇન ફ્લૂએ વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું છે. આજે રાજ્યમાં
સિઝનમાં પ્રથમવાર એવુ બન્યું છેકે, એક જ દિવસમાં ૨૫૫ કેસો નોંધાયાં છે. આ
ઉપરાંત આજે સ્વાઇન ફ્લૂના ૧૨ દર્દીઓએ જાન ગુમાવ્યાં હતાં. રાજ્યમાં સ્વાઇન
ફ્લૂની સ્થિતિ એટલી હદે ગંભીર બની છેકે, સ્વાઇન ફ્લૂના કુલ કેસોએ ૨ હજારનો
આંક વટાવી દીધો છ જયારે કુલ મૃત્યુઆંક ૧૬૭ થયો છે. ઉલ્લેખનીય છેકે, આખાયે
ભારતમાં રાજસ્થાન બાદ ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસો છે.
રાજ્યમાં અત્યાર સુધી કચ્છમાં સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસો નોંધાઇ
રહ્યાં હતાં પણ છેલ્લાં દસેક દિવસથી ચિત્ર બદલાયું છે. ગુજરાતમાં સૌથી વધુ
કેસો અમદાવાદમાં નોંધાઇ રહ્યાં છે. આજે પણ અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ
૧૨૯ કેસો નોંધાયા હતાં. વડોદરામાં ૨૩,ગાંધીનગરમાં ૧૪, બનાસકાંઠામાં ૧૩,
સુરતમાં ૧૨, મહેસાણામાં ૭, અમરેલીમાં ૬ કેસો નોંધાયા હતાં. કચ્છ,
જામનગર,રાજકોટ,સા.કાં અને પાટણમાં ૫-૫ કસો નોંધાયા હતાં. અરવલ્લીમાં ૪ અને
અન્ય શહેરોમાં ૧૨ એમ કુલ મળીને ૨૫૫ કેસો નોંધાયા હતા.
આજે સ્વાઇન ફ્લૂએ ગુજરાતમાં જાણે હાહાકાર મચાવ્યો કેમકે, એક જ દિવસમાં
૧૨ દર્દીઓના મૃત્યુ થયાં હતાં જેમાં અમદાવાદના ચાર દર્દીઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વડોદરા, કચ્છ,ગાધીનગરમાં ત્રણ ત્રણ દર્દીઓના મોત થયાં હતાં. સુરત
અને ભાવનગરમાં પણ એક એક દર્દીનું મૃત્યુ થયું હતું.અત્યાર સુધી ગુજરાતમાં
સ્વાઇન ફ્લૂનો મરણઆંક ૧૬૭ થયો છે જયારે કુલ કેસોનો આંક ૨૧૯૧ સુધી પહોંચ્યો
છે.
સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ મેળવી શકાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશન દ્વારા છેલ્લાં બે દિવસથી આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરવામાં
આવ્યું હતું. મ્યુનિ.કોર્પોરેશનના આ પ્રયાસને વ્યાપક પ્રતિસાદ સાંપડી રહ્યો
છે. આજે સતત બીજા દિવસે આર્યુવેદિક ઉકાળો પીવા માટે શહેરના જુદા જુદા
સ્થળોએ લાંબી લાઇનો લાગી હતી. આજે દિવસ દરમિયાન કુલ ૩૭,૭૭૫ લોકોએ ઉકાળો
પીવાનો લાભ લીધો હતો.
ગુજરાતની ખાનગી હોસ્પિટલોએ ૧૦ ટકા આઇસોલેશન બેડ વધારવા પડશે
અમદાવાદ, બુધવાર
રાજ્યમાં સ્વાઇન ફ્લૂની સ્થિતિ બેકાબૂ બની છે. અમદાવાદ સિવિલ
હોસ્પિટલમાં તો આઇસોલેશન વોર્ડ હાઉસફુલ બન્યાં છે. મોટાભાગની ખાનગી
હોસ્પિટલો સ્વાઇન ફ્લૂના દર્દીઓની સારવાર કરવાને બદલે સિવિલ કે સરકારી
હોસ્પિટલોમા ધકેલી દે છે.
આ કારણોસર રાજ્ય આરોગ્ય વિભાગે આજે પરિપત્ર જારી કરીને આદેશ કર્યો છેકે,
રાજ્યના ખાનગીઓ હોસ્પિટલોએ હવે ૧૦ ટકા આઇસોલેશન બેડ વધારવાના રહેશે.
સિવિલમાં સ્વાઇન ફ્લૂની ઓપીડી હાઉસફૂલ: પ્રથમવાર ૪૧૮ દર્દીઓ
અમદાવાદમાં સ્વાઇન ફ્લૂ વધુને વધુ બેકાબૂ બની રહ્યો છે.આજે પ્રથમવાર
ઓપીડી પણ જાણે હાઉસફુલ બની હોય તેવા દ્રશ્યો અમદાવાદ સિવિલમાં સર્જાયા
હતાં. આજે સ્વાઇન ફ્લૂની ઓપીડીમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં ૪૧૮ દર્દીઓ
નોંધાયા હતાં. સિઝનમાં સૌથી હાઇએસ્ટ દર્દીઓ આજે ઓપીડીમાં નોંધાયા હતાં જેથી
ખુદ સિવિલ સત્તાધીશો પણ ચોંકી ઉઠયાં હતાં. ટુંકમાં, સ્વાઇન ફ્લૂની
ઓપીડીમાં જાણે રીતસરની કતારો લાગી રહી છે.
ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમા સ્વાઇન ફ્લૂએ પગપેસારો કર્યો છે.
દિનપ્રતિદીન કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. અત્યારની સ્થિતિએ ગુજરાતમાં
ખાનગી હોસ્પિટલોની સરખામણીમાં સિવિલ હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં
સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યા પ્રમાણમાં વધુ છે. અમદાવાદમાં સિવિલમાં
સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. ખાનગી હોસ્પિટલોમાં આઇસોલેશન
વોર્ડમાં પથારીઓની સંખ્યા ઘણી જ ઓછી છે. સ્વાઇન ફ્લૂના ભયના લીધે પણ ઘણી
હોસ્પિટલો દર્દીને સરકારી કે સિવિલમા દર્દીને હળવેકથી ધકેલી દે છે.
આજે રાજ્ય આરોગ્ય વિભાગે પરિપત્ર જારી કરીને આદેશ કર્યો છેકે, રાજયની
તમામ ખાનગી હોસ્પિટલોએ આઇસોલેશન વોર્ડમાં ૧૦ ટકા પથારીઓ વધારવાની રહેશે
પરિણામે સ્વાઇન ફ્લૂના દર્દીને તાકીદે દાખલ કરી શકાય અને સારવાર આપી શકાય.
રાજ્યના આરોગ્ય વિભાગે મ્યુનિ.કમિશ્રરો અને કલેકટરોને આ પરિપત્રનો કડકપણે
અમલ કરાવવા પણ સૂચનાઓ આપી છે.
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ અંગે
સત્તાવાર રોગચાળો જાહેર થાય તો સરકારી મેળાવડા ના યોજી શકાય
(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, બુધવાર
ગુજરાતભરમાં ૨૦૦૯માં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વાઇન ફ્લૂ
થયો ત્યારે મૃત્યુઆંક હોવા છતાં ગણતરીના દિવસોમાં જ આખું રાજ્ય સ્વાઇનફ્લૂ
રોગચાળાગ્રસ્ત ઘોષિત થયેલું અને અત્યારે તેની સરખામણીમાં ૧૭૦૦ ગણા વધુ
મૃત્યુ નોંધાયા હોવા છતાં રોગચાળો જાહેર કરાતો નથી એ વિષય સમગ્ર રાજ્યમાં
ચર્ચાની ચગડોળે ચઢ્યો છે, એ સમયે રાજ્ય સરકારના સત્તાવાર પ્રવક્તા એવા
આરોગ્ય પ્રધાન નીતિન પટેલે એમ જણાવ્યું છે કે, સત્તાવાર રીતે સ્વાઇન ફ્લૂનો
રોગચાળો ઘોષિત થાય તો સમૂહમાં લોકોનું એકત્રીકરણ થાય તેવા મેળાવડા પર
પ્રતિબંધ મૂકવા સહિતના ત્રણ પગલાં લેવા પડે.
સરકાર દ્વારા જાહેરાત કેમ નથી કરાતી તેનું રહસ્ય ખૂલ્યું ઃ ૩૦૦ કેમિસ્ટને ટેમીફ્લૂના વેચાણનો પરવાનો
સત્તાવાર રોગચાળો જાહેર થાયતો સરકારને ગમે તે બિલ્ડીંગને સીલ કવરાનો તથા
ખાનગી વાહનો મેળવવાનો હક્ક મળે, સ્વાઇન ફ્લૂ થયો હોવાની શંકાવાળા
વ્યક્તિઓની હેરફેર નિયંત્રિત કરવાનો હક્ક મળે તેમજ મેળાવડા જેવા કાર્યક્રમો
પર પ્રતિબંધ મૂકવાનો હક્ક મળે, પરંતુ અત્યારે રોગચાળો કાબૂમાં લેવા માટે
જરૃરી તમામ પગલા લેવાઈ રહ્યા હોઈ સરકારને સ્વાઇન ફ્લૂનો રોગચાળો ફેલાયેલો
હોવાનું જાહેર કરવું યોગ્ય જણાતું નથી એમ નીતિન પટેલે પત્રકારોને જણાવ્યું
હતું.
એમણે સામેથી સવાઇન ફ્લૂના ૨૦૧૩માં ૯૮૯ કેસ અને ૧૯૬ મૃત્યુ, ૨૦૧૫માં
અત્યાર સુધી ૨૧૯૧ કેસ અને ૧૬૭ મૃત્યુ થતા ૨૦૦૯-૧૦માં ૨૪૦૦ કેસ અને ૪૭૦
મૃત્યુ નોંધાયા હોવાના આંકડા આપ્યા હતા. અલબત્ત, ૨૦૦૯ના કેલેન્ડર વર્ષના
અલગ આંકડા માગવામાં આવતા, તે હાથવગા નહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
કેન્દ્ર સરકાર પાસેથી સ્વાઇન ફ્લૂની સારવાર માટે મગાયેલી ૪ હજાર
ટેસ્ટિંગ કિટ્સ પૈકી કેટલી અત્યાર સુધીમાં મળી હોવાની પૃચ્છા બાબતે આરોગ્ય
કમિશ્નર જે. પી. ગુપ્તાએ ૨ હજાર કિટ્સ મળી હોવાની જાણકારી આપી હતી અને એવું
પણ જણાવ્યું હતું કે, ૩૦૦ જેટલા ખાનગી કેમિસ્ટને પ્રિસ્ક્રિપ્શનથી
ટેમીફ્લૂ વેચવાની મંજૂરી અપાઈ છેજેના માટે પૂરતા પ્રમાણમાં ટેમીફ્લૂ
ગોળીઓનો જથ્થો ઉપલબ્ધ કરાયો છે.